।। श्री गुरुवे नमः ।।
।। श्री कृष्ण परब्रह्मर्पणमस्तुः ।।
।। श्री चतुः श्लोकि भागवत् ।।
ચતુઃ સ્લોકી ભાગવત્ - સસ્તુ સાહિત્ય
શ્રી ભગવાન બોલ્યા: હું તમને અનુભવ અને ભક્તિથી
યુક્ત પરમ ગુહ્ય જ્ઞાન તથા તેનાં સાધનો કહું છું, તે તમે ગ્રહણ કરો; તેમ જ હું જેવા સ્વરૂપવાળો, જેવી સત્તાવાળો અને જેવાં રૂપ, ગુણ તથા કર્મવાળો છું, તે સર્વનું તાત્ત્વિક જ્ઞાન
તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ (તે જ્ઞાન આ પ્રમાણે છે:) સૃષ્ટિની પૂર્વે હું જ હતો, બીજુ જે સ્થૂળ, સૂક્ષ્મ, અને એ બન્નેનું જે કારણ માયા છે તે કંઈ ન હતું (કેમ કે તે વખતે માયા પણ અંતર્મુખપણે મારામાં લીન હતી), સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. જે આ જગત દેખાય છે તે પણ હું જ
છું અને પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હું જ છું, જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મારૂપ આશ્રયને લીધે જણાય છે અને જે વાસ્તવિક વસ્તુ નથી જણાતી, તેને મારી માયા જાણવી. જેમ ચંદ્ર એક જ છે, તો પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે. અને રાહુ ગ્રહમંડળમાં રહેલો છે તો પણ દેખાતો નથી. જેમ પાંચ મહાભૂતો નાનામોટા પ્રત્યેક ભૌતિક પદાર્થમાં સૃષ્ટિની પછી દાખલ થયેલાં
છે.
(કેમ કે તે તે પદાર્થોમાં તેઓ દેખાય છે) અને દાખલ થયેલાં પણ નથીં; (કેમ કે સૃષ્ટિ પહેલાં જ
કારણસ્વરૂપે તે મહાભૂતો તે તે ભૌતિક પદાર્થોમાં રહેલાં જ છે) તેમ હું પણ તે તે મહાભૂતોમાં અને સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું, છતાં નથી પણ રહ્યો. આવી મારી સર્વત્ર સ્થિતિ છે. આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે એટલું જ જાણવાનું બસ છે કે જે
વસ્તુ અન્વય અને વ્યતિરેકથી [૧] સર્વ સ્થળે સર્વદા છે તે જ આત્મા છે. તમે મારા આ મતને સારી રીતે
એકાગ્ર ચિત્તે અનુસરો, જેથી તમે પ્રત્યેક કલ્પની ભિન્ન ભિન્ન સૃષ્ટિમાં મોહ પામશો નહિ.
[૧] અન્વય અને વ્યતિરેક તે આ પ્રમાણે દરેક કર્યમાં કારણસ્વરૂપે રહેવું તે અન્વય છે
અને કારણ અવસ્થામાં તે તે કર્યોથી જુદા થવું તે વ્યતિરેક છે; અર્થાત્ જાગ્રત આદિ અવસ્થામાં તે તે અવસ્થાના સાક્ષીરૂપ આત્માનો અન્વય છે અને સમાધિ વગેરેમાં
જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિથી વ્યતિરેક છે. – શ્રીધર સ્વામી
।। ईति श्री
भगवानव्यासकृत चतुः श्लोकि भागवत् सम्पूर्णम् ।।
।। हरि ॐ ।।
No comments:
Post a Comment