Sunday, May 24, 2015

Guru Gita - Gujarati - Full Unicode (No Sanskrit)



Download: Docx | PDF | HTML | Scribd | Slide Share

Rev: 2.0 | Updated: 30-March-2016 (Typos corrected)

Note: Please download in PDF or view in html for proper viewing


|| ૐ શ્રી પરમાત્માને નમઃ ||

શ્રી ગુરૂગીતા

               




गुरुबुध्यात्मनो नान्यत् सत्यं सत्यं वरानने |
तल्लभार्थं प्रयत्नस्तु कर्त्तवयशच मनीषिभिः ||

૨૩. જગત્ ગુઢ અવિધ્યાત્મક માયારુપ છે અને શરીર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલુ છે. આમનુ વિશ્લેષણાત્મક જ્ઞાન જેમની કૃપાથી થાય છે, 'જ્ઞાન' ને 'ગુરુ' કહેવાય છે.


|| ૐ શ્રી ગુરુ શરણમ્ ||

   
       

અણુક્રમણિકા


અણુક્રમણિકા
અધ્યાય -
પૂર્વ ભૂમિકા અને પ્રાર્થના સાથે ગ્રંથારમ્ભ
ગુરુ ગીતા પ્રારમ્ભ
જ્ઞાન જ ગુરુ છે
ગુરુ શબ્દનો અર્થ
અધાય – ૨
પ્રાર્થના
ગુરુદેવ પ્રત્યે આપણુ આચરણ
સાચા સન્યાસી અને મુક્ત પુરુશના લક્ષણ
ગુરુવિના જ્ઞાન પ્રાપ્ત નથી થતું
દમ્ભી ગુરુનો ત્યાગ
ગુરુ ગીતાનો પાઠ
ગુરુ ગીતા સ્તુતિ
ગુરુ ગીતા - સર્વ દુઃખોનાં નિવારણ નું સાધન
જપ આદિ કર્મનુ ફળ
ગુરુગીતા નો જપ કરવાની પદ્ધથી
અધ્યાય -
ગુરુગીતા નો જપ કરવાની પદ્ધથી -
ગુરુગીતા કોને કહેવી નહીં
સાચા ગુરુ
સાત () પ્રકારનાં ગુરુ
તત્વજ્ઞાનનાં અધિકારી
પરમ ગુરુ
ગુરુ દિક્ષાના પાત્રો
ગુરુ ગીતા નો ઉપદેશ
ગુરુગીતા કેને કહેવી નહી
ગુરુનાં મન્ત્રનો ત્યાગનુ પરિણામ
ગુરુ મહિમા / ગુરુતત્વ
ગુરુ (તત્વ) એ મનુષ્ય નથી એ પરમતત્વ (બ્રહ્મ) છે
ગુરુદેવને હૃદયપૂર્વક પ્રાર્થના

અધ્યાય - ૧

પ્રાર્થના અને પૂર્વ ભૂમિકા  સાથે ગ્રંથારમ્ભ

                                   
૧. જે બ્રહ્મ અચિન્ત્ય છે, અવ્યક્ત છે, ત્રણે ગુણો થી રહિત છે (પર છે) (છતાં પણ જોવાવાળા ની અજ્ઞાન ની ઉપાથી ને કારણે ગુણવાન દેખાય છે એવા) ત્રિગુણાત્મક અને સમસ્ત જગત નુ અધિષ્ઠાન રૂપ છે એવા બ્રહ્મ ને નમસ્કાર હો || ૧ ||


૨. ૠષય ઊચુઃ (ૠષિયો બોલ્યા) - હે મહાજ્ઞાની, હે વેદ વેદાંગોમાં નિષ્ણાંત સૂતજી! સર્વ પાપોનો નાશ કરવાવાળા ગુરુનું સ્વરુપ અમને કહો.

૩-૪. જેમને સાંભળવામાત્રથી (જેમનુ શ્રવણ માત્ર કરવાથી) મનુષ્ય વિમુક્ત થય જાય છે, જે ઉપાયથી મુનિયોએ સર્વજ્ઞાતા પ્રાપ્ત કરી છે, જેમને પ્રાપ્ત કરવાથી મનુષ્ય ફરી પાછો સંસાર બંધનમાં બંધાતો નથી, એવા પરમતત્વનુ કથન તમે કરો.

૫.   હે સૂતજી! જે તત્વ પરમ રહસ્યમય અને શ્રેષ્ઠ સારભૂત છે, અને વિશેષ કરીને જે ગુરુગીતા છે, તે આપની કૃપાથી અમે સાંભળવા ઇચ્છ્યે છે, તે અમને સંભળાવો.

૬. આ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરવાથી સૂતજી બહુ પ્રસન્ન થઇને મુનિયો ના સમૂહ ને મધૂર વચન કહ્યા.

૭. સૂતજી કહેવા લાગ્યા - હે સર્વ મુનિયો! સંસારરુપી રોગનો નાશ કરવાવાળી માતૃસ્વરુપિણી (માતા સમાન ધ્યાન રાખવાવાળી) ગુરુગીતા કહુ છુ, એ (ગુરુગીતા) ને તમે ખૂબ શ્રદ્ધા અને પ્રસન્નતાથી સાંભળો.

૮-૧૦. પ્રાચીન કાળમાં સિદ્ધો અને ગન્ધર્વોના આવાસરુપ કૈલાશ પર્વતના શિખર પર કલ્પવૃક્ષના ફૂલોથી બનેલુ અત્યન્ત સુન્દર મન્દિરમાં મુનિયોની વચ્ચે વ્યાગ્રચર્મ પર વિરાજમાન શુક આદિ મુનિઓ દ્વારા વન્દન પામેલા અને પરમતત્વનો બોધ આપતા ભગવાન શંકર ને વારંવાર નમસ્કાર કરતા જોઇને પાર્વતીજીએ આશ્ચર્યચકિત  થઈને પૂછ્યુ.

૧૧.   પાર્વત્યુવાચ: પાર્વતી માતાએ કહ્યુ - હે ૐ કારના અર્થરુપ, દેવોના દેવ, શ્રેષ્ઠોથી પણ શ્રેષ્ઠ, હે જગદ્ ગુરો! તમને પ્રણામ હો! દેવ, દાનવ અને માનવ બદ્ધા આપને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે.

૧૨. આપ બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર આદિ ના નમસ્કાર યોગ્ય છો. (એવા) નમસ્કારના આશ્રયરુપ હોવાને છતાં પણ (તમે) કોને નમસ્કાર કરો છો.

૧૩. હે ભગવાન ! હે સર્વધર્મોના જ્ઞાતા ! હે શંભો ! જે વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે, એવું ઉત્તમ ગુરુ મહાત્મ્ય કૃપા કરીને  મને કહો .

૧૪.  આ પ્રમાણે (પાર્વતી માતા દ્વારા) વારંવાર પ્રાર્થના કરવાના કારણે મહાદેવ મહેશ્વરે અન્તરથી ખૂબ પ્રસન્ન થઇને આ પ્રમાણે કહ્યું

૧૫. શ્રી મહાદેવ ઉવાચ
શ્રી મહાદેવજી બોલ્યા - હે દેવી! આ તત્વ રહસ્યો નું પણ રહસ્ય છે, આ કારણે કહેવુ ઉચિત નથીં. પહેલા કોઇને પણ નથી કહ્યુ. છતાં પણ તમારી ભક્તિ જોઇને આ રહસ્ય કહું છું.

૧૬. હે દેવી! તમે મારુ જ સ્વરૂપ છો આ કારણે [આ રહસ્ય] હું તમને કહું છું. તમારો આ‌ પ્રશ્ન પહેલા ક્યારે કોઇએ નથીં પુછ્યો.

ગુરુ ગીતા પ્રારમ્ભ


૧૭.  જેમની ઈશ્વરમાં પરાભક્તિ (ઉત્તમ ભક્તિ) છે, જેવી ભક્તિ ઈશ્વરમાં છે તેવી જ ભક્તિ જેમને ગુરુમાં હોય છે, એવા મહાત્માઓને અહ્યા કહેલી વાત સમઝાય છે.

૧૮. જે ગુરુ છે એ જ શિવ છે, જે શિવ છે એ જ ગુરુ છે. (આ) બે ને જે જુદા માને છે, તે ગુરુ પત્ની ગમન કરવાવાળા સમાન પાપી છે.

૧૯-૨૧. હે પ્રિયે! વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ આદિ મન્ત્ર, યન્ત્ર, મોહન, ઉચ્ચાટન આદિ વિદ્યા, શૈવ, શાક્ત, આગમ અને અન્ય સર્વ મતમતાંતર, આ બદ્ધિ વિદ્યા ગુરુતત્વને જાણ્યા વિના ભ્રાન્ત ચિત્તવાળા જીવો ને પથબ્રષ્ટ કરવાવાળી છે અને જપ, તપ, તીર્થ યજ્ઞ, દાન આ બદ્ધુ વ્યર્થ થઈ જાય છે.

૨૨. હે સુમુખી! આત્મામાં ગુરુ બુદ્ધિ સિવાય અન્ય કઈ પણ સત્ય નથી, સત્ય નથી. આ માટે (આ કારણે) આ આત્મજ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિમાનોએ પ્રયત્ન કરવો જોઇએ.

જ્ઞાન જ ગુરુ છે


૨૩. જગત્ ગુઢ અવિધ્યાત્મક માયારુપ છે અને શરીર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલુ છે. એમનુ વિશ્લેષણાત્મક જ્ઞાન જેમની કૃપાથી થાય છે, એ 'જ્ઞાન' ને 'ગુરુ' કહેવાય છે.

૨૪. શ્રી ગુરુદેવના પગના સેવનથી મનુષ્ય સર્વ પાપો થી વિશુદ્ધાત્મા થઇને બ્રહ્મરુપ થઈ જાય છે. આ (જ્ઞાન) તમારી ઉપર કૃપા કરીને કહું છુ.

૨૫. શ્રી ગુરુદેવના ચરણામૃત પાપરુપી કીચડના સમ્યક શોષક છે, જ્ઞાન તેજનું સમ્કયક્ ઉદ્દીપક છે અને સંસાર ના સમ્યક્ તારક છે.

૨૬. અજ્ઞાનના જડને નિર્મુળ કરવાવાળા અનેક જન્મોના કર્મો ના નિવારણ કરવાવાળા, જ્ઞાન અને વૈરાગ્યને સિદ્ધ કરવાવાળા શ્રી ગુરુદેવનાં ચરણામૃતનું પાન કરવુ જોઇએ.

૨૭. પોતાના ગુરુદેવનાં નામનું કીર્તન અનન્ત સ્વરુપ ભગવાન શિવનું જ કીર્તન છે. પોતાના ગુરુદેવનાં નામનું ચિન્તન અનન્ત સ્વરુપ ભગવાન્ શિવનું જ ચિન્તન છે.

૨૮. ગુરુદેવનું નિવાસસ્થાન જ કાશી ક્ષેત્ર છે. શ્રી ગુરુદેવના ચરણજ ગંગાજી છે. ગુરુદેવજ ભગવાન્ વિશ્વનાથ છે અને નિશ્ચિત જ તે (ગુરુદેવ) તારક બ્રહ્મ છે.

૨૯. ગુરુદેવની સેવાજ તીર્થરાજ ગયા છે. ગુરુદેવનું શરીર અક્ષય વટવૃક્ષ છે. ગુરુદેવનાં ચરણ ભગવાન્ વિષ્ણુનાં શ્રીચરણ છે. ત્યાં (ગુરુનાં ચરણકમળમાં) મન તદાકાર (તન્મય, તદ્રુપ) થઈ જાય છે.

૩૦. બ્રહ્મ શ્રી ગુરુદેવનાં મુખારવિન્દ (વચનામૃત) માં સ્થિત છે. એ બ્રહ્મ એમની કૃપાથી પ્રાપ્ત થઈ જાય છે. આ કારણે જે પ્રમાણે પુરુષનું ચિન્તન કરે છે, એ પ્રકારે સદા ગુરુદેવ નું ધ્યાન કરવું જોઇએ.

૩૧. પોતાના આશ્રમ (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ) પોતાની જાતિ, પોતાની કીર્તિ, પાલન-પોષણ, આ બદ્ધુ છોડીને ગુરુદેવનો જ સમ્યક આશ્રય લેવો જોઇએ.

૩૨. વિદ્યા ગુરુદેવના મુખમાં રહે છે, અને તે ગુરુદેવની ભક્તિથી પ્રાપ્ત થાય છે. આ વાત ત્રણે લોકોમાં દેવ, ઋષિ, પિતૃ અને માનવો દ્વારા સ્પષ્ટ રુપથી કહી છે.

ગુરુ શબ્દનો અર્થ


૩૩. 'ગુ' શબ્દ નો અર્થ છે 'અન્ધકાર' (અજ્ઞાન) અને 'રુ' શબ્દ નો અર્થ છે 'પ્રકાશ' (જ્ઞાન). અજ્ઞાન નો નાશ કરવાવાળો જે બ્રહ્મરુપ પ્રકાશ છે તે 'ગુરુ' છે, એમા કોઈ સંશય નથી.

૩૪. 'ગુ-કાર' અન્ધકાર છે અને એમને દુર કરવાવાળા 'રુ-કાર' છે. અજ્ઞાન રુપી અન્ધકાર ને નષ્ટ કરવાના કારણે જ 'ગુરુ' કહેવાય છે.

૩૫. 'ગુ-કાર' થી ગુણાતીત કહેવાય છે, 'રુ-કાર' થી રુપાતીત કહેવાય છે. ગુણ અને રુપ થી પર હોવાને કરણે જ 'ગુરુ' કહેવાય છે.

૩૬. ('ગુરુ' શબ્દ નો) પ્રથમ અક્ષર 'ગુ' કાર માયા આદિ ગુરુણોનો પ્રકાશક છે અને બીજો અક્ષર 'રુ' કાર માયાની ભ્રાન્તિ થી મુક્તિ આપવાવાળો પરબ્રહ્મ છે.

૩૭.  સાધક ગુરુદેવની પ્રસન્નતા માટે આસન, 'બિસ્તર' વસ્ત્ર, આભૂષણ વાહન આદિ શ્રી ગુરુદેવને સમર્પિત કરે.

૩૮. પોતાનુ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, ધન, કુટુમ્બીજન, સગા-વ્હાલા, પત્ની આદિ બદ્ધુ ગુરુદેવને (માનસીક રૂપે) અર્પણ કરવુ જોઇએ.

૩૯. ગુરુ સર્વશ્રુતિરુપ શ્રેષ્ઠ રત્નોથી સુશોભિત ચરણ કમળવાળા અને વેદાન્તના અર્થોના પ્રવક્તા છે. આ માટે (આ કારણે) શ્રી ગુરુદેવની પૂજા કરવી જોઇએ.

૪૦. જેમના સ્મરણમાત્રથી જ્ઞાન પોતાની મેળે પ્રગટ થાય છે અને તે જ સર્વ સમ્પદા (શમ, દમાદિ) રુપ છે. અતઃ શ્રી ગુરુદેવની પૂજા કરવી જોઇએ.

૪૧. સંસારરુપી વૃક્ષ પર ચઢેલા લોકો નરક રુપી સાગરમાં પડે છે. એ બદ્ધાના ઉદ્ધાર કરવાવાળા શ્રી ગુરુદેવને નમસ્કાર હો.

૪૨. જ્યારે વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે તે જ એકમાત્ર પરમ બાન્ધવ (મિત્ર) છે અને બદ્ધા ધર્મોના આત્મ સ્વરુપ છે. એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો.

૪૩. સંસારરુપી અરણ્યમાં પ્રવેશ કરવાબાદ દિગમૂઢની સ્થિતિમાં (જ્યારે કોઇ માર્ગ નથી દેખાતો) ચિત્ત બ્રમિત થઈ જાય છે એ સમયે જેમણે માર્ગ દેખાડ્યો છે એ શ્રી ગુરુદેવ ને નમસ્કાર હો.

૪૪. આ પૃથ્વી ઉપર ત્રિવિધ તાપ (આધિ, વ્યાધિ, અને ઉપાધિ) રુપી અગ્નિ થી બળવાના કારણે અશાન્ત થયેલા પ્રાણિયો માટે ગુરુદેવ જ એકમાત્ર ઉત્તમ ગંગાજી છે. એવા શ્રી ગુરુદેવને નમસ્કાર હો.

૪૫. સાત સમુદ્ર પર્તન્ત સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જેટલુ પુણ્ય ફળ મળે છે, એ ફળ ગુરુદેવનાં ચરણામૃનાં એક બિન્દુનો હજારમો ભાગ છે.

૪૬. જો શિવજી નારાજ થઈ જાય તો ગુરુદેવ બચાવવા વાળા છે, પણ ગુરુદેવ નારાજ થઈ જાય તો બચાવવા વાળા  કોઈ નથી. અતઃ (આ કારણે) ગુરુદેવ ને સમ્પ્રાપ્ત કરીને (મેળવીને, ગુરુનું શરણ પ્રાપ્ત  કરીને) સદા એમની શરણમાં રહેવું જોઇએ.

ગુરુ શબ્દ
૪૭.  ગુરુ શબ્દ નો 'ગુ' અક્ષર ગુણાતીત અર્થનો બોધક છે અને 'રુ' અક્ષર રુપરહિત સ્થિતિનો બોધક છે. એ બન્ને (ગુણાતીત અને રુપાતીત) સ્થિતિઓ જે આપે છે, અમને 'ગુરુ' કહેવાય છે.

૪૮. હે પ્રિયે! ગુરુ જ ત્રીનેત્ર રહિત સાક્ષાત્ શિવ છે, બે હાથ વળા ભગવાન્ વિષ્ણુ છે અને એક મુખ વાળા બ્રહ્માજી છે.

૪૯. દેવ, કિન્નર, ગન્ધર્વ, પિતૃ, યક્ષ, તુમ્બરુ (ગન્ધર્વ નો એક પ્રકાર) અને મુનિજન પણ ગુરુસેવાની વિધિ નથી જાણતા.

૫૦. હે પ્રિયે! તાર્કિક, વૈદિક, જ્યોતિષી, કર્મકાણ્ડી તથા લૌકિકજન નિર્મળ ગુરુતત્વને નથી જાણતા.

૫૧. તપ અને વિદ્યાનાં બળનાં કારણોથીં અને મહા અહંકારનાં કારણે જીવ સંસારમાં રહાટની જેમ (ભૂતની જેમ) વારંવાર ભટકતો રહે છે.

૫૨. આ ગુરુતત્વથી વિમુખ થઈ જાય તો યાજ્ઞિક મુક્તિ નથીં પામી શકતો અને તપસ્વી પણ મુક્ત નથી થઈ શકતો.

૫૩. ગુરુની સેવાથી વિમુખ ગન્ધર્વ, પિતૃ, યક્ષ, ચારણ, ઋષિ, સિદ્ધ, અને દેવતા પણ મુક્ત નથી થતા.

|| પ્રથમ અધ્યાય સમાપ્ત ||

અધાય – ૨


પ્રાર્થના


૫૪. જે બ્રહ્માનન્દ સ્વરુપ છે, જે પરમસુખ આપવાવાળા છે, જે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરુપ છે, જે (જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખ આદિ) દ્વન્દોથી રહિત છે, જે આકાશ સમાન સુક્ષ્મ છે, અને સર્વવ્યાપક છે, તત્વમસિ આદિ મહાવાક્યો નું લક્ષ્યાર્થ છે, એક છે, નિત્ય છે, મળ રહિત છે, અચળ છે, સર્વબુદ્ધિયોના સાક્ષી છે, ભાવનાથી પર છે, સત્વ રજસ અને તમસ, આ ત્રણે ગુણોથી રહિત છે, એવા શ્રી સદ્ ગુરુ ને મારા નમસ્કાર હો.

૫૫. શ્રી ગુરુદેવ દ્વારા બતાવેલા માર્ગથી મન ની શુદ્ધિ કરવી કોઈએ. જે કાય પણ અનિત્ય વસ્તુ પોતાની ઈન્દ્રિયોનો વિષય બની જાય તેમનુ ખંડન (તેમનું નિરાકરણ) કરવું કોઇએ.

૫૬. વધારે કહેવાથી શો લાભ?  શ્રી ગુરુદેવની પરમ કૃપા વિના શાસ્ત્રોથી પણ ચિત્તની વિશ્રાન્તિ દુર્લભ છે.

૫૭. કરુણારુપી તલવારના પ્રહારથી શિષ્યના આઠે પાશ (સંશય, દયા, ભય, સંકોચ, નિન્દા, પ્રતિષ્ઠા, કુળાભિમાન અને સમ્પત્તિ) ને કાપીને નિર્મળ આનન્દ આપવાવાળા ને સદ્ ગુરુ કહેવાય છે.

ગુરુદેવ પ્રત્યે આપણુ આચરણ


૫૮.   આ સાંભળવા છતાય જે મનુષ્ય ગુરુનિન્દા કરે છે એ (મનુષ્ય) જ્યાં સુધી સૂર્ય ચન્દ્ર નુ અસ્તિત્વ રહે છે ત્યાં સુધી ઘોર નરકમાં રહે છે.

૫૯. હે દેવી! દેહ કલ્પના અંત સુધી રહે છે, ત્યા સુધી શ્રી ગુરુદેવ નુ સ્મરણ કરવું જોઇએ અને આત્મજ્ઞાની હોવા છતાય પણ શિષ્યએ ગુરુદેવની શરણ છોડવી જોઇએ નહીં.

૬૦. શ્રી ગુરુદેવની સમક્ષ પ્રજ્ઞાવાન શિષ્યએ ક્યારેય 'હુ-કાર' શબ્દથી (મે આવું કર્યુ, તેવું કર્યુ, આદિ) નહીં બોલવું જોઇએ અને ક્યારેય અસત્ય નહીં બોલવું જોઇએ.

૬૧. ગુરુદેવ સમક્ષ જે 'હું-કાર' શબ્દથી બોલે છે અથવા ગુરુદેવને 'તુ' કહિને બોલાવે છે તે નિર્જન મરુભૂમિમાં બ્રહ્મરાક્ષસ (ભૂત, પાપી દાનવ કે રાક્ષસ) થાય છે.

૬૨.  સદા અને સર્વ અવસ્થાઓમાં અદ્વૈતની ભાવના કરવી જોઇએ પરન્તુ ગુરુદેવની સાથે (સામે, ગુરુદેવના સાનિધ્યમાં) અદ્વૈતની ભાવના ક્યરેય નહીં કરવી જોઇએ.

૬૩. જ્યાં સુધી દૃશ્ય પ્રપંચની વિસ્મૃતિ નહીં થાય ત્યાં સુધી ગુરુદેવનાં પાવન ચરણારવિન્દની પૂજા-અર્ચના કરવી જોઇએ. એવુ કરવાવાળાને કૈવલ્ય પદની પ્રાપ્તિ થાય છે, આનાથી વિપરિત કરવાવાળા ને નથી થતી.

૬૪. સમ્પૂણ તત્વજ્ઞ પણ જો ગુરુદેવનો ત્યાગ કરે છે તો મૃત્યુ સમયે એને મહાન્ વિક્ષેપ અવશ્ય થાય છે.

૬૫. હે દેવી! ગુરુની ઉપસ્થિતિમાં પોતાની મેળે ક્યારેય ઉપદેશ નહીં આપવો જોઇએ. આ પ્રમાણે ઉપદેશ (ગુરુની ઉપસ્થિતિ માં ગુરુ આજ્ઞાવિના ઉપદેશ) આપવાવાળો બ્રહ્મરાક્ષસ થાય છે.

૬૬. ગુરુનાં આશ્રમમાં ક્યરેય નશો નહીં કરવો જોઇએ, આટા-ફેરા નહી મારવા જોઇએ. દિક્ષા આપવી, વ્યાખ્યાન (આપવું), પ્રભુત્વ દર્શાવ્વુ અને ગુરુ ને આજ્ઞા કરવી આ બદ્ધા કર્યો નિષિદ્ધ છે.

૬૭. ગુરુનાં આશ્રમમાં પોતાનુ છાપરુ અને પલંગ નહી બસાવવા જોઇએ. ગુરુની સમ્મુખ (સામે) પગ નહી ફેલાવવા જોઇએ, શરીરના ભોગ નહી ભોગવવા જોઇએ અને અન્ય લીલાઓ નહી કરવી જોઇએ.

૬૮. ગુરુની વાત સાચ્ચી હોય કે ખોટી હોય, છતાય એમનુ (એમના કથનનું) ક્યારેય ઉલ્લંઘન નહી કરવું જોઇએ. રાત અને દિવસ ગુરુદેવની આજ્ઞા નું પાલન કરતાં કરતાં એમના સાનિધ્યમાં દાસ બનીને રહેવુ જોઇએ.

૬૯. જે દ્રવ્ય ગુરુદેવે નથી આપ્યો એનો ઉપયોગ ક્યારેય નહી કરવો જોઇએ. ગુરુદેવે અપેલા દ્રવ્યને પણ ગરીબની જેમ ગ્રહણ કરવો જોઇએ. એ (દ્રવ્ય) થી પ્રાણ પણ પ્રાપ્ત થાય છે (પ્રાણ શક્તિ પ્રાપ્ત થાય છે, આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે).

૭૦. પાદુકા, આસન બિસ્તર આદિ જે કાઇ પણ ગુરુદેવના ઉપયોગમાં આવતા હોય એ બદ્ધાને નમસ્કાર કરવા જોઇએ અને એમને (ગુરુદેવને) ક્યારેય પગથી અડવા નહી જોઇએ.

૭૧. ચાલતા સમયે (ચલતી વખતે) ગુરુદેવની પાછળ ચાલવું જોઇએ. એમના પડચાયાને પણ ઓળંગવો નહી જોઇએ. ગુરુદેવની સામે મોઘી વેશભુષા, આભૂષણ આદિ નહી ધારણ કરવા જોઇએ.

૭૨. ગુરુદેવની નિન્દા કરવાવાળા ને જોઇને જો એની જીભ કાપવામાં સમર્થ ન હો તો એને પોતાની જગ્યાએથી ભગાડી દેવા જોઇએ. જો એ ત્યાગ ન કરે તો સ્વયમ્  એ સ્થાન નો ત્યાગ કરવો જોઇએ.

૭૩. હે પાર્વતી! મુનિયોં, પન્નગોં અને દેવતાઓં ના શાપ થી તથા યથાકાળે અવેલુ મૃત્યુ ના ભય થી પણ ગુરુદેવ (આપણી) રક્ષા કરી શકે છે.

સાચા સન્યાસી અને મુક્ત પુરુષના લક્ષણ


સાચા સન્યાસી
૭૪. ગુરુદેવનાં શ્રી ચરણો ની સેવા કરીને મહાવાક્યો નો અર્થ જે સમજે છે, તે જ સાચ્ચા સન્યાસી છે, બિજા તો માત્ર વેશધારી છે.

ગુરુ કોણ છે?         
૭૫. ગુરુ એ છે જે નિત્ય, નિર્ગુણ, નિરાકાર, પરમ બ્રહ્મ નો બોધ આપે છે, જેવી રીતે એક દીપક બિજા દીપક ને પ્રજ્જ્વલિત કરે છે એવી રીતે, શિષ્ય માં બ્રહ્મભાવ ને પ્રકટાવે છે (અભિવ્યક્ત કરે છે)

જ્ઞાન, બોધ અને સાધના
૭૬. શ્રી ગુરુદેવની કૃપાથી પોતાની અંદરજ અત્માનંદ પ્રાપ્ત કરીને સમતા અને મુક્તિ નો માર્ગ દ્વારા શિષ્ય આત્મજ્ઞાન ને પામી શકે છે.

૭૭. જેવી રીતે સ્ફટિક મણિમાં સ્ફટિક મણિ અને દર્પણમાં દર્પણ જોય શકાય છે, એવીજ રીતે આત્મામાં જે ‘ચિત્’ અને ‘આનંદ' રુપ દેખાઈ છે, તે ‘હું છું’

૭૮.  હૃદયમાં અંગુષ્ઠમાત્ર (આંગુઠા જેટલા) પ્રમાણવાળાં ચૈતન્ય (ચિન્મય) પુરુષ નું ધ્યાન કરવુ જોઈયે. ત્યાં (હૃદયમાં) જે ભાવની સ્ફુર્ણા થાય છે, તે હુ તને કહુ છુ, સાંભળો.

૭૯. હું અજન્મા છુ, હું અમર છું, મારો આદિ (જન્મ) નથી, મારુ મૃત્યુ નથી. હું નિર્વિકાર છું, હું ચિદાનન્દ છું હું અણુ થી પણ નાનો છું અને મહાનથી પણ મહાન છું

૮૦-૮૧. હે પાર્વતી! બ્રહ્મ તો સ્વભાવથીજ અપૂર્વ (ઉત્તમ, શ્રેષ્ઠ, અસામાન્ય, અદ્વિતિય, નિત્ય, જ્યોતિ સ્વરુપ, નિરોગ (નિરોગી), નિર્મળ, પરમ, આકાશ સ્વરુપ, અચળ, આનન્દ (સ્વરુપ), અવિનાશી, અગમ્ય, અગોચર, નામ અને રુપ થી રહિત તથા નિઃશબ્દ જાણવુ જોઈયે.

૮૨.  જેવી રીતે કપૂર, ફૂલ આદિમાં ગન્ધત્વ, (અગ્નિમાં) ઉષ્ણતા, બરફમાં શીતલતા સ્વભાવથીજ હોય છે, એવી રીતે બ્રહ્મમાં શાશ્વતતા પણ સ્વભા્વસિદ્ધ છે.

૮૩. જે પ્રમાણે કટક (કડું), કુણ્ડલ આદિ આભૂષણ સ્વભાવથી જ સુવર્ણ છે, એવીજ રીતે હું શાશ્વત બ્રહ્મ છું.
કીટ-બ્રમર-ન્યાય
૮૪.   સ્વયં (પોતે) આવોજ (બ્રહ્મ) થઇને કોઇ-ને-કોઈ સ્થાન માં રહેજો. જેવી રીતે કીટ (કીડો) બ્રમરનુ (ભમરાનુ) ચિન્તન કરતા-કરતા ભમરી થઈ જાય છે, એવી રીતે બ્રહ્મનુ ધ્યાન કરતા-કરતા બ્રહ્મ સ્વરુપ થઈ જાય છે.

૮૫. સદૈવ ગુરુદેવનુ ધ્યાન કરવાથી જ જીવ બ્રહ્મમય થઈ જાય છે. એ કોઈ પણ સ્થાને રહેતો હોય તો પણ એ મુક્ત જ છે, એમા કોઈ સંદેહ નથી.

૮૬. હે પ્રિયે! ભગવતસ્વરુપ શ્રી ગુરુદેવ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, યશ, લક્ષ્મી અને મધૂર વણી આ છ (૬) ગુણ રુપ ઐશ્વર્યથી સંપન્ન છે.

૮૭. મનુષ્યો માટે ગુરુ જ શિવ છે, ગુરુજ દેવ છે, ગુરુજ બંધુ (મિત્ર) છે, ગુરુ જ આત્મા છે, અને ગુરુજ જીવ છે. ગુરુ સિવાય અન્ય કઈ પણ નથી.

૮૮. એકાકી, કામના રહિત, શાન્ત, ચિન્તા રહિત, ઈર્ષા રહિત અને બાળક સમાન જે શોભાયમાન છે, તેને બ્રહ્મજ્ઞાની કહેવાય છે.

૮૯. વેદો અને શાસ્ત્રોમાં સુખ નથી, મંત્ર અને યંત્રમાં સુખ નથી. આ પૃથ્વી પર ગુરુદેવની કૃપા પ્રસાદ સિવાય અન્યત્ર ક્યાય પણ સુખ નથી.

૯૦. એકાન્તવાસી વિતરાગ મુનિ ને જે સુખ મળે છે, તે સુખ ન તો ઈન્દ્ર ને અને ન તો ચક્રવર્તી રાજાઓને મળે છે.

૯૨. હમેશા બ્રહ્મરસનુ પાન કરીને જે પરમાત્મા માં તૃપ્ત થઈ ગયા છે તે (મુનિ) ઈન્દ્ર ને પણ ગરીબ માને છે, તો પછી રાજાઓની તો વાતજ શું?

૯૩. મોક્ષની આકાંશા કરવાવાળાએ ગુરુભક્તિ ખૂબ કરવી જોઈયે, કારણકે ગુરુદેવ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે (મોક્ષ પ્રાપ્તિ થાય છે)

૯૪-૯૫. ગુરુદેવ ના વાક્ય (કથન, ઉપદેશ) ના આધારે જેણે એવો નિશ્ચય કરી લીધો છે કે ‘હું એક અને અદ્વિતીય છું’ અને એ જ પ્રમાણે અભ્યાસમાં જે નિત્યરત રહે, એના માટે અન્ય (બિજા કોઈ) વનવાસ નુ  સેવન આવશ્યક નથી, કારણકે અભ્યાસ થી જ એક ક્ષણમાં સમાધિ લાગી જાય છે અને તે જ ક્ષણે આ જન્મ સુધિ (પર્યન્ત) બદ્ધાજ પાપ નષ્ટ થઈ જાય છે.


૯૬ ગુરુદેવ જ સત્વગુણી થઈને (સત્વગુણ ગ્રહણ કરીને) વિષ્ણુરુપ ધારણ કરીને જગત નુ પાલન કરે છે, રજોગુણી થઈને બ્રહ્મારુપ ધારણ કરીને જગત નુ સૃજન કરે છે, અને તમોગુણી થઈને શંકરરુપ ધારણ કરીને જગતનું સંહાર કરે છે.

૯૭.  એમનુ (ગુરુદેવનું) દર્શન (અવલોકન) કરીને (પામીને) એમના કૃપા-પ્રસાદથી સર્વપ્રકારની આસક્તિઓ છોડીને, એકાકી, નિઃસ્પૃહ અને શાન્ત થઈને રહેવુ જોઈએ.

૯૮. જે જીવ આ જગતમાં સર્વમય, આનન્દમય અને શાન્ત થઈને સર્વત્ર વિચરતો હોય, એ જીવને સર્વજ્ઞ કહેવાય છે.

૯૯. એવો પુરુષ જ્યા રહેતો હોય (જે સ્થળે રહેતો હોય) એ સ્થળ પુણ્યતીર્થ છે (થઈ જાય છે). હે દેવી! તમારી સમક્ષ મેં મુક્ત પુરુષનાં લક્ષણ કહ્યા.

ગુરુવિના જ્ઞાન પ્રાપ્ત નથી થતું

૧૦૦. હે પ્રિયે! મનુષ્ય ભલે ચારે વેદ વાચી લે, વેદના છો (૬) અંગ વાચી લે, આધ્યાત્મ શાસ્ત્ર આદિ અન્ય સર્વત્ર વાચી લે, તો પણ (છતા પણ) ગુરુ વગર જ્ઞાન નથી મળતુ (પ્રાપ્ત થતુ નથી)

૧૦૧. શિવજી ની પૂજામાં રત હો કે વિષ્ણુની પૂજામાં રત હો, પણ જો તમે ગુરુ તત્વ ના જ્ઞાનથી રહિત છો તો બદ્ધુજ (સર્વ કાઈ) વ્યર્થ છે.

૧૦૨. ગુરુદેવે આપેલી દીક્ષાના પ્રભાવથી સર્વ કર્મો સફળ (સાર્થક) થાય છે. ગુરુદેવની સમ્પ્રાપ્તિ રુપી પરમ લાભ થી અન્ય બદ્ધા (સર્વ) લાભ મળે છે. (મળી જાય છે). જેમના કોઈ ગુરુ નથી એ મૂર્ખ છે.

૧૦૩. આ કારણે સર્વ પ્રકારના પ્રયત્નોથી અનાસક્ત થઈને, શાસ્ત્રની માયાજાલનોત્યાગ કરીને ગુરુદેવની જ શરણ લેવી (સ્વીકારવી) જોઈએ.

દમ્ભી ગુરુનો ત્યાગ


૧૦૪. જ્ઞાનરહિત, મિથ્યા ઉપદેશ આપવાવાળા અને દેખાવ કરવાવાળા ગુરુનો ત્યાગ કરવો જોઈએ કારણકે જે પોતાની માટે શાન્તિ મેળવવાની વિદ્યા નહીં જાણનાર બિજાને ક્યાથી શાન્તિ (પામવાનું જ્ઞાન) આપી શકે.

૧૦૫. પત્થરોનાં સમૂહને તારવાનુ જ્ઞાન પત્થરમાં ક્યાથી હોઈ શકે? જે પોતે તરવાનુ નથીં જાણતો તે બિજાને ક્યાથી તારવી શકે?

૧૦૬. જે ગુરુ પોતાના (ખોટા) દેખાડાથી શિષ્યને બ્રાન્તિમાં નાખે છે, એવા ગુરુને પ્રણામ નહી કરવા જોઈએ. એટલુજ નહી, તેમનો ત્યાગ કરવો જોઇએ. એ સ્થિતિમાં ધૈર્યવાન ગુરુનો જ આશ્રય લેવો જોઇએ.

૧૦૭-૧૦૯. હે પ્રિયે! પાખંડી, પાપમાં રત, નાસ્તિક, ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરવાવાળા, સ્ત્રી લમ્પટ, દુરાચારી, નમક હરામ (કપટી), બગલાની જેમ ઠગવાવાળા, કર્મ બ્રષ્ટ, ક્ષમા રહિત, નિન્દનીય તર્કોથી વિતંડવાદ કરવાવાળા, કામી, ક્રોધી, હિંસક, ઉગ્ર, શઠ (rascal, લુચ્ચો, હરામખોર, બદમાશ, નીચ, દુષ્ટ મનુષ્ય, દુર્જન ), તથા અજ્ઞાની અને મહાપાપી પુરુષ ને ગુરુ નહીં (સ્વીકારવા) જોઇએ. એવો વિચાર કરીને ઉપર (આગળ) કહેલા લક્ષણો વાળા ગુરુ ની એકનિષ્ઠ ભક્તિ કરવી જોઇએ.

ગુરુ ગીતાનો પાઠ


૧૧૦. ગુરુ ગીતા સમાન અન્ય કોઈ સ્તોત્ર નથી, ગુરુ સમાન અન્ય કોઈ તત્વ નથી, સમગ્ર ધર્મનો આ સાર મે તમને કહ્યો. આ સત્ય છે, સત્ય છે અને વારંવાર (કહું છેં કે) આ જ સત્ય છે.

૧૧૧. હે પ્રિયે! આ ગુરુગીતાનો પાઠ કરવાથી જે કર્મ સિદ્ધ થાય છે, એ હવે કહું છું. હે દેવી! લોકો માટે આ ઉપકારક છે. માત્ર (કેવળ) લૌકીકતાનો ત્યાગ કરવો જોઇએ.

૧૧૨. જે કોઈ પણ આનો (ગુરુગીતાનો) ઉપયોગ લૌકીક કાર્ય માટે કરસે તે જ્ઞાનહીન થઇને સંસાર રુપી સાગરમાં પડસે. જ્ઞાનભાવથી જે કોઈ પણ કર્મમાં આ (જ્ઞાનનો) ઉપયોગ કરશે તે કર્મ નિષ્કર્મમાં પરિવર્તીત થઇને શાન્ત થઇ જશે.

૧૧૩. ભક્તિ ભાવથી જે આ ગુરુગીતા નો પાઠ કરશે, સાંભળશે અને લખશે એ ભક્તના બદ્ધા ફળ ભોગવાઈ જશે.

૧૧૪. હે દેવી! આ ગુરુગીતાને નિત્ય ભાવથી હૃદયમાં ધારણ કરો. મહાવ્યાધીવાળા દુઃખી લોકોને સદાય આનન્દથી આ (ગુરુગીતા) નો જપ કરવો જોઈએ.

ગુરુ ગીતા સ્તુતિ


૧૧૫. હે પ્રિયે! ગુરુગીતાનો એક એક અક્ષર મન્ત્રરાજ છે. અન્ય (બિજા) જે વિવિધ મન્ત્રો છે, એ આનો (ગુરુગીતા રુપી મન્ત્રનો) સોળમો ભાગ પણ નથીં.

ગુરુ ગીતા - સર્વ દુઃખોનાં નિવારણ નું સાધન


૧૧૬. હે દેવી! ગુરુગીતા નો જપ કરવાથી અનન્ત ફળ મળે છે. ગુરુગીતા બદ્ધા (સર્વ) પાપો ને હરિ લેવાવાળી છે અને દરિદ્રતાનો નાશ કરવાવાળી છે.

૧૧૭. ગુરુગીતા અકાલ મૃત્યુ ને ટાળે છે, સર્વ સંકટો નો નાશ કરે છે. યક્ષ, રાક્ષસ, ભૂત, ચોર અને વાઘ આદિનો ઘાત કરે છે.

૧૧૮. ગુરુગીતા બદ્ધિરિતે ઉપદ્રવો, કુષ્ઠ અદિ દુષ્ટ રોગો અને દોશોના નિવારણ કરવાવાળી છે. શ્રી ગુરુદેવનાં સાનિધ્યથી જે ફળ મળે છે, તે ફળ આ ગુરુગીતાનાં પાઠથી મળે છે.

૧૧૯. આ ગુરુગીતાનો પાઠ કરવાથી મહાવ્યાધિ દૂર થાય છે, સર્વ ઐશ્વર્ય અને સિદ્ધિયોંની પ્રાપ્તિ થાય છે, મોહનમાં (સમ્મોહનમાં) અથવા વશીકરણંમાં આ ગુરુગીતા પાઠ સ્વયમ્  કરવો જોઇએ.

૧૨૦. આ ગુરુગીતાનો પાઠ કરવાવાળાઉપર સર્વ પ્રાણિઓ મોહિત થઈ જાય છે, બન્ધનથી પરમ મુક્તિ મળી જાય છે. દેવરાજ ઈન્દ્રનો એ પ્રિય થાય છે અને (દેવરાજ) એમના વશ થાય છે.

૧૨૧.  આ ગુરુગીતા નો પાઠ શત્રુ નો મુખ બન્ધ કરવાવાળો છે, ગુણોની વૃદ્ધિ કરવાવાળો છે, દુષ્કૃત્યોનો નાશ કરવાવાળો છે અને સત્કર્મમાં સિદ્ધિ આપવાવાળો છે.

૧૨૨. આ (ગુરુગીતા) નો પાઠા અસાધ્ય કાર્યોની સિદ્ધિ કરાવે છે, નવગ્રહો ના ભય હરે છે, દુસ્વપ્નનો નાશ કરે છે અને સુસ્વપ્નના ફળની પ્રાપ્તિ કરાવે છે.

૧૨૩. હે શિવે! (પાર્વતી) આ ગુરુગીતારુપી શાસ્ત્ર મોહ ને શાન્ત કરવાવાળો, બન્ધનમાંથી પરમ મુક્ત કરવાવાળો અને સ્વરુપ જ્ઞાનનો ભંડાર છે.

૧૨૪. વ્યક્તિ જે જે અભિલાષા કરીને આ ગુરુગીતાનું પઠન, ચિન્તન કરે છે, એને એ નિશ્ચિત પ્રાપ્ત થાય છે. આ ગુરુગીતા નિત્ય સૌભાગ્ય અને પુણ્ય પ્રદાન કરવાવાળી થતા તાપો (આધિ, વ્યાધિ, ઉપાધી) નો શમન (નાશ, અંત, શાન્ત) કરવાવાળી છે.

૧૨૫. આ ગુરુગીતા બદ્ધા પ્રકાની શાન્તિ પ્રદાન કરવાવાળી, વન્ધ્યા સ્ત્રીને સુપુત્ર આપવાવાળી, સધવા (સુહાગન) સ્ત્રીઓને વૈધવ્ય નો (વિધવા થાવાના ભય નો) નિવારણ કરવાવાળી અને સૌભાગ્યની વૃદ્ધિ કરવાવાળી છે.

૧૨૬. આ ગુરુગીતા આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, અને પુત્ર-પૌત્ર ની વૃદ્ધિ કરવાવાળી છે. કોઈ વિધવા (ગુરુગીતાનો પાઠ) કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે.

૧૨૭. જો આ (વિધવા) સકામ થઈને (સકામ ભાવથી) જપ કરે તો આગલા જન્મમાં એમનો સન્તાપ હરવાવાળો અવૈધ્ય (સૌભાગ્ય) પ્રાપ્ત થાય છે. એમના બદ્ધા દુઃખ, ભય, વિઘ્ન અને સન્તાપનો નાશ થાય છે.

૧૨૮. આ ગુરુગીતા નો પાઠ બદ્ધા પાપોનું શમન કરે છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે. આ પાઠથી જે જે આકાંક્ષા હોય છે, એ ચોક્કસ (અવશ્ય) સિદ્ધ થાય છે.

૧૨૯. જે કોઈ આ ગુરુગીતા ને લખીને એની પૂજા કરે છે એને લક્ષ્મી (ચિત્તશુદ્ધિ, જ્ઞાન) અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વિશેષ કરીને એમના હૃદયમાં સદા સર્વદા ગુરુ ભક્તિ ઉત્પન્ન થતી રહે છે.

૧૩૦. શક્તિના, સૂર્યના, ગણપતીના, વિષ્ણુના, શિવના અને પશુપતિના મતવાળા આનો (ગુરુગીતાનો) પાઠ કરે છે આ સત્ય છે, સત્ય છે, એમા કોઈ સંદેહ નથી.

જપ આદિ કર્મનુ ફળ


૧૩૧-૧૩૨. આસન કર્યા વગર કરેલા જપ નીચ કર્મ થઇ જાય છે અને નિષ્ફળ થઈ જાય છે. યાત્રામાં યુદ્ધમાં શત્રુઓના ઉપદ્રવોમાં ગુરુગીતા નો પાઠ કરવાથી વિજય મળે છે. મરણકાળમાં જપ કરવાથી મોક્ષ મળે છે. ગુરુ પુત્ર (શિષ્ય) ના સર્વ કાર્ય સિદ્ધ થાય છે, એમા કોઈ સન્દેહ નથી.

૧૩૩. જેમના મુખમાં ગુરુ મંત્ર છે એમના બદ્ધા કર્મ સિદ્ધ થાય છે બિજાના નહી. દિક્ષાના કારણે શિષ્યના સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે.

૧૩૪-૧૩૫. તત્વજ્ઞ પુરુષ સંસારરુપી જડ નો નાશ કરવા માટે આઠ પ્રકારના બંધન (સંશય, દયા, ભય, સંકોચ, નિન્દા, પ્રતિષ્ઠા, કુલાભિમાન અને સંપત્તિ) ની નિવૃત્તિ માટે ગુરુગીતા રુપી ગંગામાં સદા સ્નાન કરતા રહે છે. સ્વભાવથી જ સર્વદા શુદ્ધ અને પવિત્ર એવા એ મહાપુરુષ જ્યા પણ રહે છે એ (સ્થળે) તીર્થધામમાં દેવતા વિચરણ કરે છે.

ગુરુગીતા નો જપ કરવાની પદ્ધથી


૧૩૬-૧૩૭. આસન પર બેસીને કે પછી સુઈને, ઉભા રહિને કે પછી ચાલીને હાથી કે પછી ઘોડા ઉપર સવાર થઈને, જાગ્રતાવસ્થામાં કે સુષુપ્તાવસ્થામાં જે પવિત્ર જ્ઞાનવાન પુરુષ આ ગુરુગીતા નો જપ કરે છે એમના દર્શન અને સ્પર્શથી પુનર્જન્મ નહીં થાય.

૧૩૮. હે દેવી! કુશ અને દુર્વાના આસન પર સફેદ કમ્બલ (ચાદર) પાથરીને એની ઉપર બેસી ને એકાગ્ર મનથી આમનો (ગુરુગીતાનો) જપ કરવો જોઈએ.

૧૩૯. સામાન્યતઃ સફેદ આસન બરોબર છે, પરન્તુ વશીકરણમાં લાલ આસન આવશ્યક છે. હે પ્રિયે! શાન્તિની પ્રાપ્તિ માટે કે પછી વશીકરણમાં નિત્ય પદ્માસનમાં બેસીને જપ કરવો જોઇએ.

૧૪૦. કપડાના આસન પર બેસીને જપ કરવાથી દરીદ્રતા આવે છે, પત્થરના આસન પર રોગ, ભૂમિ (જમીન) ઉપર બેસીને જપ કરવાથી દુઃખ આવે છે, અને લાકડાના આસનૌપર બેસીને કરેલો જપ નિષ્ફળ થાય છે.

૧૪૧. કાળા મૃગચર્મ અને દર્ભાસન ઉપર બેસીને જપ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પણ કમ્બલ (ચાદર) નાં આસન પર બદ્ધિ સિદ્ધિ મળે છે.

૧૪૨. અગ્નિ ખુણેથી મુખ કરીને જપ કરવાથી આકર્ષણ, વાયવ્ય ખુણે મુખ કરીને શત્રુઓનો નાશ, નૈઋત્ય ખુણે બેસીને દર્શન અને ઈશન ખુણે મુખ કરીને જપ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે.

૧૪૩. ઉત્તર દિશાએ મુખ કરવાથી જપ પાઠ કરવાથી શાન્તિ, પૂર્વ દિશાએ જપ કરવાથી વશીકરણ, દક્ષિણ દિશાએ મુખ કરવાથી મારણ* સિદ્ધ થાય છે, તથા પશ્ચિમ દિશાએ મુખ કરીને જપ-પાઠ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

*મારણ સિદ્ધિ: એક પ્રકારની સિદ્ધિ જેનાથી શત્રુઓનો નાશ થાય છે (શત્રુઓના હેતુઓનુ નાશ થાય છે)

।। બિજો અધ્યાય સમાપ્ત ।।

અધ્યાય - ૩


ગુરુગીતા નો જપ કરવાની પદ્ધથી - ૨


૧૪૪-૧૪૬. હે સુમુખી! હવે સકામભક્તો માટે જપ કરવાના સ્થાનો નુ વર્ણન કરુ છુ. સાગર કે નદી તટ ઉપર, તીર્થમાં, શિવાલયમાં વિષ્ણુનાં કે દેવીના મન્દિરમાં, ગૌશાળામાં બદ્ધા શુભ દેવાલયોમાં વટ વૃક્ષની નીચે, મઠમાં કે પછી અમળા કે વૃક્ષની નીચે, મઠમાં તુલસીવનમાં, પવિત્ર નિર્મળ સ્થાનમાં, નિત્યાનુષ્ઠાનનાં રુપમાં અનાસક્ત રહીને મૌનપૂર્વક આના (ગુરુગીતાના) જપ નો આરંભ કરવો જોઇએ.

૧૪૭.  જપથી જય પ્રાપ્ત થાય છે અને જપની સિદ્ધિ-રુપ ફળ મળે છે. જપાનુષ્ઠાન કરવામાંટે બદ્ધા નીચ કર્મ અને નિન્દિત સ્થાનનો ત્યાગ કરવો જોઇએ.

૧૪૮. શ્મશાનમાં, બિલ્વ, વટવૃક્ષ કે પછી કનક વૃક્ષની નીચે આમ્ર વૃક્ષની પાસે જપ કરવાથી સિદ્ધિ જલ્દી  મળે છે.

૧૪૯. હે દેવી! કલ્પસુધીના કરોડો જન્મોના યજ્ઞ, વ્રત, તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ આ બદ્ધા ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થઇ જાય છે.

૧૫૦.  ભાગ્યહીન, શક્તિહીન અને ગુરુસેવાથી વિમુખ જે લોકો આ ઉપદેશ ને નથી માનતા, તે ઘોર નરકમાં પડે છે.

૧૫૧. જેની ઉપર શ્રી ગુરુદેવની કૃપા નથી એની વિદ્યા, ધન અને ભાગ્ય નિરર્થક છે. હે પાર્વતી એમનુ અધઃપતન થાય છે.

૧૫૨. જેમની અંદર ગુરુભક્તિ છે એમની માતા ધન્ય છે, એમના પિતા ધન્ય છે, એમનો વંશ ધન્ય છે, એમના વંશ માં જન્મ લેવા વાળા ધન્ય છે, સમગ્ર ધરતી માતા ધન્ય છે.

૧૫૩.   શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, ધન, સ્વજન, બન્ધુ-મિત્ર (બાન્ધવ), માતાનો કુળ, પિતાનો કુળ, આ બદ્ધુ ગુરુદેવજ છે, એમા સંશય નથી.

૧૫૪. ગુરુ જ દેવ છે, ગુરુ જ ધર્મ છે, ગુરુમાં નિષ્ઠા જ પરમ તપ છે. ગુરુથી વધારે બિજુ કશુજ નથી, આ હું ત્રણવાર કહું છું.

અદ્વૈત - પરમાત્મા-આત્માની એકતા
૧૫૫. જેવી રીતે સાગરમાં પાણી, દુધમાં દુધ, ઘીમાં ઘી, અલગ-અલગ ઘટોંમાં આકાશ એક અને અભિન્ન છે, એવી રીતે પરમાત્મા માં અત્મા અભિન્ન છે.

૧૫૬. આ પ્રકારે (એવીજ રીતે) જ્ઞાની સદા પરમાત્મા સાથે અભિન્ન થઇને રાત-દિવસ આનન્દ વિભોરસર્વત્ર વિચરે છે.

૧૫૭. હે પાર્વતી! ગુરુદેવને સન્તુષ્ટ કરવાથી શિષ્ય મુક્ત થઈ જાય છે. હે દેવી! ગુરુદેવની કૃપાથી એ (શિષ્ય) અનિમા-આદી સિદ્ધિઓનો ભોગ પ્રાપ્ત કરે છે.

૧૫૮. જ્ઞાની દિવસ અને રાત્રિમાં સદા સર્વદા સમત્વમાં જ રમણ કરે છે. આ પ્રકારના મહામૌની અર્થાત્ બ્રહ્મનિષ્ઠ મહાત્મા ત્રણે લોકમાં સમાન ભાવથી ગતિ કરે છે.

૧૫૯. ગુરુભક્તિ જ સર્વ શ્રેષ્ઠ તીર્થ છે. અન્ય તીર્થ નિરર્થક છે. હે દેવી! ગુરુદેવના ચરણ કમળ સર્વતીર્થમય છે.


ગુરુગીતા કોને કહેવી નહીં


૧૬૦. હે દેવી! હે પ્રિયે! કન્યાના ભોગમાં રત, સ્વસ્ત્રીથી વિમુખ (પરસ્ત્રીગામી) એવા બુદ્ધિશૂન્ય લોકોને મારો આ આત્મપ્રિય પરમ બોધ મે નથી કહ્યો.

૧૬૧. અભક્ત, કપટી, ધૂર્ત, પાખણ્ડી, નાસ્તિક, ઇત્યાદિ ને આ ગુરુગીતા કહેવાનુ મનમાં વિચારવુજ નહી.

સાચા ગુરુ


૧૬૨. શિષ્યના ધન પર અપહરણ કરવાવાળા ગુરુ તો બહુ હોય પરંતુ શિષ્યના હૃદયનો સંતાપ હરવાવાળા એક ગુરુ પણ દુર્લભ છે, એવુ મારુ માનવું છુ.

૧૬૩. જો ચતુર છો, વિવેકી હો, અધ્યાત્મનાં જ્ઞાતા છો, પવિત્ર હોવ, તથા નિર્મળ માનસવાળા હોવ એમનામાં ગુરુતત્વ શોભા પામે છે.

૧૬૪. ગુરુ નિર્મળ, શાન્ત, સાધુ (સારા, સ્વચ્છ) સ્વભાવવાવા, મિતાભાષી[૧], કામ-ક્રોધ થી સદાય રહિત સદાચારી અને જિતેન્દ્રિય હોય છે.

[૧] મિતાભાષી – પ્રમાણસર બોલવાવાળા, ન ઓછુ, ન વધારે, પણ સચોટ ઉપદેશ આપવાવાળા.  સછોટ ઉપદેશ આપવાની પદ્ધતીને સૂત્ર કહેવાય છે.

સાત (૭) પ્રકારનાં ગુરુ


૧૬૫. સૂચક આદી ભેદથી અનેક ગુરુ કહ્યા છે. બુદ્ધિમાન મનુષ્ય ને સ્વયમ યોગ્ય વિચાર કરીને તત્વનિષ્ઠ સદ્ ગુરુની શરણ લેવી જોઇએ.

(૧) સૂચક ગુરુ

૧૬૬. હે દેવી! વર્ણ અને અક્ષરોં થી સિદ્ધ કરવાવાળા બાહ્ય લૌકિક શાશ્ત્રોનો જેમનો અભ્યાસ છે એ ગુરુ ‘સૂચક ગુરુ' કહેવાય છે.

(૨) વાચક ગુરુ

૧૬૭. હે પાર્વતી! ધર્મ-અધર્મનો વિધાન કરવાવાળા વર્ણ અને આશ્રમના અનુરુપ વિદ્યાનુ પ્રવચન કરવાવાળા ગુરુ ને તુ ‘વાચક ગુરુ' જાણ.

(૩) બોધક ગુરુ

૧૬૮.  પંચાક્ષરી આદિ મન્ત્રોનો ઉપદેશ આપવાવાળા ગુરુ ‘બોધક ગુરુ' કહેવાય છે. હે પાર્વતી! પ્રથમ બે પ્રકારનાં ગુરુઓથી આ ગુરુ ઉત્તમ છે.

(૪) નિષિદ્ધ ગુરુ

૧૬૯. મોહન, માહણ, વશીકરણ આદિ તુચ્છ મંત્રોને બતાવવાવાળા ગુરુ ને તત્વદર્શી પણ્ડિત 'નિષિદ્ધ ગુરુ' કહે છે.

(૫) વિહિત ગુરુ

૧૭૦. હે પ્રિય! સંસાર અનિત્ય અને દુઃખોનું ઘર છે એવું સમઝીને જે ગુરુ વૈરાગ્ય નો માર્ગ બતાવવાવાળા ગુરુ છે તે તત્વદર્શી પણ્ડિતો 'વિહિત ગુરુ' કહે છે.

(૬) કારણાખ્ય ગુરુ

૧૭૧. હે પાર્વતી! 'તત્વમસિ' આદિ મહાવાક્યોનો ઉપદેશ આપવાવાળા તથા સંસારરુપી રોગોનું નિવારણ કરવાવાળા ગુરુ 'કારણાખ્ય ગુરુ' કહેવાય છે.

(૭) પરમ ગુરુ

૧૭૨. સર્વ પ્રકારના સંદેહોનું (શંકાઓનું) જડથી નાશ કરવામાં જે ચતુર છે, જન્મ, મૃત્યુ તથા ભયનો જે વિનાશ કરે છે તે 'પરમ ગુરુ' કહેવાય છે.

૧૭૩. અનેક જન્મોમાં કરેલા પુણ્યોથી એવા મહાગુરુ (પરમ ગુરુ) પ્રાપ્ત થાય છે. એમને પ્રાપ્ત કરીને શિષ્ય પુનઃ સંસાર બંધનમાં નથી બંધાતા અર્થાત મુક્ત થઈ જાય છે.

૧૭૪. હે પાર્વતી! આ પ્રકારે સંસારમાં અનેક પ્રકારનાં ગુરુ હોય છે. આ બદ્ધામાં એક 'પરમ ગુરુ' ના (ચરણો નુ) સેવન સર્વ પ્રયત્નો થી કરવુ જોઇએ.

૧૭૫. પાર્વત્યુવાચ -
માતા પાર્વતીતે કહ્યુ - પ્રકૃતિથી જ મૂઢ, મૃત્યુથી ભયભીત, સત્કર્મથી વિમુખ વ્યક્તિ દૈવયોગથી નિષિદ્ધ ગુરુનુ સેવન કરે તો એમની ક્યા ગતિ થાય છે.

૧૭૬. શ્રી મહાદેવ ઉવાચ -
શ્રી મહાદેવજી બોલ્યા, નિષિદ્ધ ગુરુ નો શિષ્ય દુષ્ટ સંકલ્પોથી દુષિત હોવાને કારણે બ્રહ્મ પ્રલય સુધી મનુષ્ય થતો નથી.

તત્વજ્ઞાનનાં અધિકારી


૧૭૭. હે દેવી! આ તત્વને સાંભળો. મનુષ્ય જ્યારે વિરક્ત થાય છે ત્યારેજ તે અધિકારી કહેવાય છે, એવુ ઉપનિષદો કહે છે, અર્થાત્ દૈવયોગથી ગુરુ પ્રાપ્ત થવાની વાત જુદી છે અને વિચારથી ગુરુ પસંદ કરવાની વાત જુદી છે.

પરમ ગુરુ


૧૭૮.   અખણ્ડ, એકરસ, નિત્યમુક્ત અને નિરામય બ્રહ્મ ને પોતાની અન્દર જ જે બતાવે છે, તે જ ગુરુ હોવા જોઇએ.

૧૮૦. મોહાદિ દોષોથી રહિત, શાન્ત, નિત્ય તૃપ્ત, કોઇ પણ આશ્રય રહિત અર્થાત સ્વાશ્રયી બ્રહ્મા અને વિષ્ણુ નાં વૈભવ ને પણ તૃણવત્ સમઝવાવાળા ગુરુજ 'પરમ ગુરુ' (કહેવાય) છે.

૧૮૧. સર્વકાળે અને સર્વદેશમાં સ્વતંત્ર નિશ્ચલ[૨], સુખી, અખણ્ડ એકરસ અને આનન્દથી તૃપ્ત (જે હોય છે) ખરેખર એ જ 'પરમ ગુરુ' છે.

[૨] નિશ્ચલ - અચળ, સ્થિર

૧૮૨. દ્વૈત અને અદ્વૈતથી મુક્ત, સ્વયમ્ અનુભવ રુપ પ્રકાશવાળા, અજ્ઞાનરુપી અન્ધકાર નો ત્યાગ કરવાવાળા અને સર્વજ્ઞ જ 'પરમ ગુરુ' છે.

૧૮૩. જેમના દર્શનમાત્રથી મન પ્રસન્ન થઇ જાય છે. પોતાની મેળે જ ધૈર્ય અને શાન્તિ આવી જાય છે (હૃદયમાં ઉત્પન્ન થઇ જાય છે, તે 'પરમ ગુરુ' છે.

૧૮૪. જે પોતાના શરીરને શવ સમાન સમઝે છે, પોતાના આત્માને અદ્વય જાણે છે, જે કામિની અને કાંચનના મોહ ના નાશકર્તા છે, તે 'પરમ ગુરુ' છે.

૧૮૫-૧૮૬. હે પાર્વતી! સાંભળો. તત્વજ્ઞ બે પ્રકારના હોય છે - મૌની અને વક્તા. હે પ્રિયે! આ બેવમાંથી મૌની ગુરુ દ્વારા કોઇ લાભ થતો નથી, પણ વક્તા ગુરુ ભયંકર સંસારને પાર કરાવવાને સમર્થ હોય છે. કેમકે શાસ્ત્ર યુક્તિ (તર્ક) અને અનુભુતિ થી તે સર્વસંશયો નુ છેદન કરે છે.

૧૮૭. હે દેવી! ગુરુ નામ નો જપ કરવાથી અનેક જન્મોથી ભેગા થયેલા પાપ નષ્ટ થાય છે, એમા અણુમાત્ર સંશય નથી.

૧૮૮. પોતાના કુળ, ધન, બળ, શાસ્ત્ર, સગા-સ્નેહીયો, ભાઇ આ બદ્ધા મૃત્યુ સમયે કામ નથી લાગતા. એકમાત્ર સદ્ ગુરુ જ એવા સમયે મારા તારણહાર છે.

૧૮૯. (ખરેખર) પોતાના ગુરુદેવની સેવા કરવાથી પોતાનો કુળ પણ પવિત્ર થાય છે. ગુરુદેવના તર્પણથી બ્રહ્મા આદિ સર્વ દેવો તૃપ્ત થાય છે.

૧૯૦. હે દેવી! સ્વરુપનાં જ્ઞાન વિના કરેલુ જપ-તપાદિ બદ્ધુજ ન કરેલા બરાબર છે. બાળકનાં બકવાદ (લવારા) સમાન છે.

૧૯૧. ગુરુ દીક્ષાથી વિમુખ થયેલા લોકો ભ્રાન્ત છે, આપણા વાસ્તવિક જ્ઞાન રહિત હોય છે. તે ખરેખર પશુ સમાન છે. પરમ તત્વ ને તે નથી જાણતા.

૧૯૨. આ કારણે હે પ્રિયે! કૈવલ્યની સિદ્ધિ મેળવવા માટે ગુરુ નુ જ ભજન કરવુ જોઈયે. ગુરુ વગર મૂઢ લોકો એ પરમ પદ નથી પામી શકતા.

૧૯૩. હે શિવે! (પાર્વતી!) ગુરુદેવની કૃપાથી હૃદયની ગ્રન્થિ છિન્ન થઈ જાય છે, બદ્ધા સંશાયો કપાય જાય છે અને સર્વ કર્મ નષ્ટ થઈ જાય છે.

૧૯૪. વેદ અને શાસ્ત્રો પ્રમાણે વિશેષ રુપથી ગુરુની ભક્તિ કરવાથી ગુરુભક્ત ઘોર પાપથી પણ મુક્ત થઈ જાય છે.

ગુરુ દિક્ષાના પાત્રો


૧૯૫. દુર્જનોના સંગ ત્યાગીને પાપ કર્મને છોડી દેવા જોઇએ. જેમના ચિત્તમાં એવુ ચિન્હ જોવાય છે, એમના માટે ગુરુ દીક્ષા નુ વિધાન છે.


૧૯૬. ચિત્તનો ત્યાગ કરવામાં જે પ્રયત્નશિલ છે, ક્રોધ અને ગર્વ થી રહિત છે, દ્વૈતભાવનો જેણે ત્યાગ કર્યો છે, એમના માટે ગુરુ દિક્ષાનું વિધાન છે.

૧૯૭. જેમનુ જીવન આ લક્ષણોથી યુક્ત છે, નિર્મળ છે, જે બદ્ધા જીવોનું કલ્યાણ કરવામા રત છે, એમના માટે ગુરુ દિક્ષાનું વિધાન છે.

ગુરુ ગીતા નો ઉપદેશ


૧૯૮. હે દેવી! જેમનુ ચિત્ત અત્યન્ત પરિપક્વ છે, શ્રદ્ધા અને ભક્તિ યુક્ત છે, એમને આ તત્વ સદાય મારી પ્રસન્નતા માટે કહેવું કોઇયે. (આ તત્વ (ગુરુ તત્વ) નો ઉપદેશ સદાય લોકોને આપવો જોઇએ).

૧૯૯. સત્કર્મનાં પરિપક્વ થવાથી શુદ્ધ થયેલા ચિત્તવાલા બુદ્ધિમાન સાધકે જ ગુરુગીતા પ્રયત્નપુર્વક કહેવી જેઇએ.

ગુરુગીતા કોને કહેવી નહી


૨૦૦. નાસ્તિક, કૃતઘ્ન, દમ્ભી, શઠ, અભક્ત, અને વિરોધીને આ ગુરુગીતા કદાપિ નહી કહેવી જોઇએ.

૨૦૧. સ્ત્રીલમ્પટ, મૂર્ખ, કામવાસનાથી ગ્રસ્થ ચિત્તવાળા તથા નિંદકોને ગુરુગીતા બિલ્કુલ નહીં કહેવી જોઇએ.



ગુરુનાં મન્ત્રનો ત્યાગનુ પરિણામ


૨૦૨. એકાક્ષર મન્ત્રોનો ઉપદેશ કરવાવાળા ને જે ગુરુ નથી માનતા એ તો સો (૧૦૦) જન્મો સુધી કુત્રો થઈ ચાણ્ડાળ-યોનીમાં જન્મ લે છે.

૨૦૩. ગુરુ નો ત્યાગ કરવાથી મૃત્યુ પ્રાપ્ત થાય છે. મન્ત્ર ને છોડવાથી દરિદ્રતા આવે છે અને ગુરુ અને મન્ત્ર નો ત્યાગ કરવાથી રૌરવ નરક મળે છે (રૌરવ નરકમા જીવ ધકેલાય છે, જીવની અધોગતી થાય છે).

ગુરુ મહિમા / ગુરુતત્વ


૨૦૪.  શિવજીના ક્રોધથી ગુરુદેવ રક્ષણ કરે છે, પણ ગુરુદેવના ક્રોધથી શિવજી રક્ષણ કરતા નથી. અતઃ (આ કારણે) સર્વ પ્રયત્નોથી ગુરુદેવની આજ્ઞાનુ ઉલ્લંઘન નહી કરવું જોઇએ.

૨૦૫. સાત કરોડ મહામન્ત્ર વિદ્યમાન છે. એ બદ્ધા ચિત્તને ભ્રમિત કરવાવાળા છે. 'ગુરુ' નામનાં બે અક્ષરવાળો મન્ત્ર એક જ મહામન્ત્ર છે.

૨૦૬. હે દેવી! મારુ આ કથન ક્યારેય મિથ્યા નહી થાય. એ સત્ય સ્વરૂપ છે. આ પૃથ્વીપર ગુરુગીતા સમાન અન્ય કોઈ સ્તોત્ર નથી.

૨૦૭. ભવદુઃખ નો નાશ કરવાવાળી આ ગુરુગીતા નો પાઠ દીક્ષા વિહિન મનુષ્ય આગળ ક્યારેય કરવો જોઇએ નહી.

૨૦૮. હે મહેશ્વરી! આ રહસ્ય અત્યન્ત ગુપ્ત રહસ્ય છે. પાપીયો ને આ (જ્ઞાન) નથી મળતુ. અનેક જન્મોના કરેલા પુણ્યોના પરિપાકથી જ મનુષ્ય ને ગુરુતત્વ પ્રાપ્ત થાય છે.

૨૦૯. શ્રી સદ્ ગુરુ ના ચરણામૃતનો પાન કરવાથી અને એમને (એમના ચરણોને) મસ્તક ઉપર ધારણ કરવાથી મનુષ્ય સર્વ તીર્થોમા સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે (થય જાય છે).

૨૧૦. ગુરુદેવના ચરણામૃતનુ પાન કરવું, ગુરુદેવ ના ભોજનમાંથી બચેલુ ભોજન, ગુરુદેવની મૂર્તિનુ ધ્યાન કરવુ અને ગુરુનામ નો જપ કરવો જોઇએ.

ગુરુ (તત્વ) એ મનુષ્ય નથી એ પરમતત્વ (બ્રહ્મ) છે


૨૧૧. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સહિત સમગ્ર જગત્ ગુરુદેવમાં સમાવિષ્ટ છે. ગુરુદેવથી અધિક બીજુ કશુજ નથી. આ કારણે ગુરુદેવની પૂજા કરવી જોઇએ.

૨૧૨. ગુરુ પ્રતિ અનન્ય ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત થયા વિના જ મોક્ષ પદ પ્રાત્પ થાય છે*. ગુરુદેવના બતાવેલા માર્ગ ઉપર ચાલવાવાળા માટે ગુરુદેવ સમાન અન્ય કોઈ સાધન નથી.

* સાધના કર્યા વિના મોક્ષ પ્રાપ્ત થાય છે - મોક્ષ બે રીતે પ્રાપ્ત થઈ શકે છે. (૧) મૃત્યુ સમયે ગુરુ મોક્ષ અપાવી શકે છે અને (૨), વિશિષ્ટ કૃપા કરીને ક્ષણવારમા જ પોતાના શિષ્યને મોક્ષ અપવા ગુરુ સમર્થ હોય છે. સાધનામાં આગળ વધારવાનુ કાર્ય પણ ગુરુ જ કરતા હોય છે. ગુરુ કૃપાથી ચિત્ત શુદ્ધ થાય છે. ગુરુ કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિવકૃપા એજ ગુરુકૃપા છે.

૨૧૩. ગુરુ(દેવ)ના કૃપા પ્રસાદથી જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ યથાક્રમ જગત્ ની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરવાનુ સામર્થ્ય પ્રાપ્ત કરે છે.*

*ત્રિપુટી - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પરમાત્મા / બ્રહ્મની અંશ શક્તિ છે. ત્રિપુટી અને વિશ્વ રચના નાં સ્પષ્ટિકરણ માટે વાચો વિષ્ણુ પુરાણ ૧.૨.૧-૨, ૧.૨.૩-૧૩, ૧.૨.૧૫, ૧.૨૨.૨૩-૨૮, ૧.૨૨.૩૦-૩૩.

૨૧૪. હે દેવી! 'ગુરુ' આ બે અક્ષરવાળો મન્ત્ર બદ્ધા મન્ત્રોનો રાજા છે, શ્રેષ્ઠ છે, સ્મૃતિયો, વેદ અને પુરાણોનો સાર (આ જ મન્ત્ર) છે, એમા કોઈ સંશય નથીં.

ગુરુદેવને હૃદયપૂર્વક પ્રાર્થના


૨૧૫. 'હું જ સર્વ છુ', મારમાં જ સર્વ કાઈ કલ્પિત છે, એવુ જ્ઞાન જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે, એવા આત્મસ્વરુપ શ્રી સદ્ ગુરુદેવનાં ચરણકમળમાં હું નિત્ય પ્રણામ કરુ છું.

૨૧૬. હે પ્રભુ! અજ્ઞાન રુપી અન્ધકારમાં અન્ધ બનેલા અને વિષયો થી આસક્ત ચિત્તવાળા મને જ્ઞાનનો પ્રકાશ આપી મારી ઉપર કૃપા કરો.

।। ત્રીજો અધ્યાય સમાપ્ત ।।
।। ઇતિ શ્રી ગુરુગીતા સમાપ્ત ।।

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...