Thursday, May 22, 2008

Vishistha Anubhava ( વિશિષ્ટ અનુભવ) - Ramana Maharshi

(If you cannot read properly, please copy paste the article into a word document). Doc Created by Itrans scheme.

સરિતાના શાંત પ્રસન્ન પ્રવાહમાં તરંગ પેદા થાય એવી રીતે એમના જીવનમાં આત્માભિમુખ વૃત્તિ અથવા આત્મવિકાસની ભાવના સૌથી પ્રથમ કેવી રીતે પેદા થઈ ? કેટલાક સાધકોના સંબંધમાં બને છે તેમ એમના જીવનમાં કોઈ વિરોધ, વિપત્તિ કે દુઃખદર્દનો પ્રસંગ નહોતો બન્યો. સંસારના વિષમ વિરોધાભાસી વાતાવરણે એમના પર કોઈ વિપરીત વિકૃત અસર કરી હોય એવું પણ નહોતું બન્યું. એમના જીવનમાં સૌથી પહેલાં જે જાગૃતિ આવી તે આત્મવિચારથી જ આવેલી. અને એવી વિચારપ્રેરિત વિવેકવતી જાગૃતિ જ જીવનમાં ચિરસ્થાયી ઠરીને જીવનને જ્યોતિર્મય કરે છે. દુઃખ, પીડા કે પ્રતિકૂળતાના પરિણામરૂપે પ્રાપ્ત થતી જાગૃતિ, સંજોગો સુખદ અથવા સાનુકૂળ થતાં, કોઈવાર શમી જવાનો કે મંદ પડવાનો સંભવ રહે છે ખરો. પરંતુ સદ્દવિચારના પીઠબળવાળી જાગૃતિનું તેવું નથી બનતું. એ જીવનજાગૃતિ વિકાસ માટે પ્રેરક બને છે, સુખદ ઠરે છે, ને ઉત્તરોત્તર વિસ્તૃત બને છે. પોતાની એ અદ્દભુત જીવનજાગૃતિનો ઉલ્લેખ કરતાં પાછળથી એકવાર એમણે સહજ રીતે જ કહેલું કથાનક એમના સ્વમુખે જ સાંભળીએ :

‘મારા જીવનનું એ અદ્દભુત સંસ્મરણ આજે પણ એટલું જ તાજું છે, એ વખતે મારી ઉંમર પંદરથી સોળ વરસની હતી. મારૂં સ્વાસ્થ્ય તદ્દન સારૂં હતું. કોઈ પ્રકારની શારીરિક તકલીફ કે અસ્વસ્થતા ન હતી. કોઈ જાતનું દર્દ પણ ન હતું. એ દિવસોમાં એકવાર અચાનક મને એક વિલક્ષણ અનુભવ થવા લાગ્યો. મને મૃત્યુનો ભય લાગવા માંડ્યો. કોણ જાણે કેમ પણ મને એવું જ લાગ્યું કે મારૂં જીવન હવે સમાપ્ત થવાનું છે. તેની ઉપર રહસ્યમય પડદો પડવાની તૈયારી છે.’

‘એ અનુભવ અત્યંત વિલક્ષણ હતો. મારા શરીરે રોમાંચ થયાં. મને થયું કે મારા શરીરત્યાગનો સમય નજદીક આવી ગયો ? મારાથી હવે વધારે નહિ જીવી શકાય ?’

‘તે દિવસે હું એ અસાધારણ અનુભવની અસર નીચે મારા ઘરમાં એકલો જ બેસી રહ્યો. ડૉકટરે મને એ સંબંધી કશીક ઉપયોગી સલાહ આપી હોત ને ઉપચાર કર્યો હોત, પરંતુ મેં ડૉકટરને, મિત્રને કે સંબંધીને ના બોલાવ્યા. મને થયું કે મરણ પાસે આવ્યું છે તો હવે મારે શું કરવું ? મારાથી હવે નહિ બચી શકાય.’

‘મારા હાથપગને મેં તદ્દન ઢીલા અને શબની જેમ ઢીલા કરી દીધા. પ્રાણવાયુ ધીમે ધીમે ધીમો પડવા લાગ્યો.’

‘મેં મારા મનને કહ્યું કે આનું નામ મરણ. શરીરનું મરણ થવાથી તે નિષ્ક્રિય ને નિશ્ચેતન બની ગયું છે. હવે તે નકામું બની ગયું. એને હવે સ્મશાને લઈ જવામાં ને બાળી નાખવામાં આવશે. પરંતુ મરણ કોનું થયું ? શરીરનું. મારૂ નથી થયું. કેમકે હું શરીરના મરણને જોઈ શકું છું. હું નથી મરતો. શરીર શાંત થઈ ગયું છે તો પણ હું મને એવો ને એવો, શરીરથી અલગ, અનુભવી શકું છું. હું આત્મા છું. શરીર નથી. મૃત્યુ મને નથી, શરીરને છે. શરીર જ નાશવંત છે, આત્મા તો અમર છે.’

‘એ અવસ્થા દરમિયાન મને એવા વિચારો જ આવવા લાગ્યા એવું નથી સમજવાનું. મને એવી ચોક્કસ અનુભૂતિ થઈ રહેલી.’

‘એવી અનુભૂતિ મને એ પ્રસંગ પછી અવારનવાર થયા કરતી. એને પરિણામે મારા મનમાંથી મૃત્યુનો ભય કાયમને માટે દૂર થયો. હું તદ્દન નિર્ભય બની ગયો. મને કોઈપણ વ્યક્તિ કે વસ્તુમાં રસ ના રહ્યો. મારૂં મન સ્કૂલના અભ્યાસમાંથી પણ ઊઠી ગયું. જ્યારે વખત મળતો ત્યારે હું આત્માનુસંધાનના આનંદ માટે ધ્યાનમાં જ બેસવા લાગ્યો.’

‘અહમ્ પદવાચ્ય પદાર્થ જ વાસ્તવમાં સદ્દવસ્તુ છે. મરણ થયા પછી એ જ એક વસ્તુ નિત્ય અથવા અવિનાશી થઈને ટકી રહે છે. ચેતના અથવા જીવનશક્તિનાં સઘળાં કિરણો એ સનાતન તત્વમાંથી જ છૂટે છે, સર્વત્ર ફેલાય છે અને અંતે એની અંદર જ લય પામે છે. મારો એ વિચાર અનુભવાત્મક ને દ્દઢ બન્યો.’

Source: Shri Yogeshwarji's biography in Gujarati on ॥ રમણ મહર્ષિ ॥
Bhagavan Ramana Maharshi : Life and works

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...