(if you cannot read the article, than copy paste into your word document)
એ દિવસો એમના તત્કાલીન જીવનના જ નહિ, ભાવિ જીવનના પણ મહત્વના દિવસો હતા. એ દિવસો દરમિયાન ઈ.સ.૧૮૯૫ના ઓગષ્ટ મહિનામાં એક પ્રસંગ બન્યો. એ પ્રસંગ જાણે કે પરમાત્માની પરમશક્તિએ જ ગોઠવેલો. એમને એક વાર અચાનક તિરૂચ્ચુલીનો કોઈક પરિચિત માણસ મળ્યો. એ યાત્રા કરીને પાછો ફરેલો. વેંકટરામને એને પૂછયું કે તમે ક્યાંથી આવ્યા છો ? તો એણે ઉત્તર આપ્યો કે અરૂણાચલથી. વાત છેક જ સાધારણ હતી તોપણ વેંકટરામનને માટે અત્યંત અસાધારણ થઈ પડી. અરૂણાચલનું નામ સાંભળતાં જ એમનું અંતર આનંદથી આપ્લાવિત બની ગયું. એમને રોમાંચ થઈ આવ્યાં. એમનું અંગાંગ નાચી ઊઠયું. શરીરમાં ઝંકૃતિ પેદા થઈ. એમને લાગ્યું કે આ નામ ચિરપરિચિત છે. એના સંબંધી સાંભળ્યું છે તો આજે પણ એનું શ્રવણ મધુમય ને મંગલ લાગે છે. એના સુખમય સંસ્કારો સૂક્ષ્માતિસૂક્ષ્મ બનીને હૃદયમાં ચિરકાળથી સંઘરાયેલા હોય એવું અનુભવાય છે.
એમણે પેલા વૃદ્ધ પ્રવાસીને પૂછ્યું : ‘તમે અરૂણાચલની યાત્રા કરીને તો આવ્યા પરંતુ એ અરૂણાચલ છે ક્યાં ?’
‘તને એટલી ખબર નથી ?’ વૃદ્ધે સ્મિત કરતાં સામું પૂછ્યું.
‘ના. એટલે તો હું એની માહિતી માગું છું.’
વેંકટરામનની અજ્ઞતા દેખીને એ વૃદ્ધ પુરૂષને એના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ પેદા થઈ. એણે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : ‘તને ખબર નથી કે તિરૂવણ્ણામલૈ જ અરૂણાચલ છે ?’
વેંકટરામનને એ સાંભળીને શાંતિ થઈ. એમનું અંતર ભાવવિભોર ને ગદ્ ગદ બની ગયું. એમની જિજ્ઞાસાવૃત્તિ તૃપ્ત થઈ. એમના સુષુપ્ત પૂર્વસંસ્કારો સળવળી ઊઠયા. વૃદ્ધના શબ્દો એમને ખૂબ જ પ્રિય ને સુખદ લાગ્યા. એમને થયું કે જે માહિતી મેળવવાની આવશ્યકતા હતી તે જ માહિતી આવી મળી છે. એવું પણ લાગ્યું કે એ સ્થળવિશેષની સાથે પોતાનો જન્માંતરનો સંબંધ છે.
એ પ્રસંગે એમના જીવનપ્રવાહને પલટાવવામાં ને પુષ્ટ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કર્યો. એ દિવસથી એમને અવારનવાર અરૂણાચલનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. અંતર એની પ્રત્યે આકર્ષાવા માંડ્યું. પોતાનું ચિરકાળથી છૂટું પડેલું કોઈક સ્વજન પોતાને ફરી પાછું બોલાવી રહ્યું હોય એવો અસાધારણ અનુભવ એમને થવા લાગ્યો.
Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)
No comments:
Post a Comment