Friday, May 23, 2008

Atmabhavana (આત્મભાવના) - Ramana Maharshi

(If you cannot read the article, copy paste into your word doc)

...condt.


એ પ્રસંગે એમના જીવનપ્રવાહને પલટાવવામાં ને પુષ્ટ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કર્યો. એ દિવસથી એમને અવારનવાર અરૂણાચલનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. અંતર એની પ્રત્યે આકર્ષાવા માંડ્યું. પોતાનું ચિરકાળથી છૂટું પડેલું કોઈક સ્વજન પોતાને ફરી પાછું બોલાવી રહ્યું હોય એવો અસાધારણ અનુભવ એમને થવા લાગ્યો.

એ દિવસોમાં એમના હાથમાં પેરિય પુરાણમ્ પુસ્તક આવ્યું. પેરિય પુરાણ ભક્તિરસથી ભરેલો સુંદર ધર્મગ્રંથ છે. ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા તથા નાભાજીના સુપ્રસિદ્ધ ગ્રંથ ભક્તમાળની શ્રેણીના એ સરસ ધર્મગ્રંથમાં ભગવાન શંકરના અનન્ય ને આજન્મ ત્રેસઠ ઉપાસકોની જીવનકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દ્રાવિડ દેશમાં જન્મેલા એ એકનિષ્ઠ ઉપાસકો શંકરની પ્રેમભક્તિ દ્વારા જીવનને કૃતાર્થ કરી ગયા. શંકરની એકનિષ્ઠ આરાધનામાં ઓતપ્રોત થઈને એમના અસાધારણ અનુગ્રહરૂપે એમણે મંગલ, રસમય, પ્રેરક ભક્તિગીતોની રચના પણ કરેલી.

પ્રેમભક્તિની ભવ્ય જીવનકથાઓથી ભરેલા એ પેરિય પુરાણના પ્રસિદ્ધ પુસ્તકે બીજા અનેકની પેઠે એમને પણ પ્રેરણા પૂરી પાડી. એનું અધ્યન એમને માટે પ્રેમભક્તિના પવિત્ર પ્રવાહોને પ્રકટાવનારૂં થઈ પડ્યું. એને વાંચતાં એ તલ્લીન બની ગયા. એમના નેત્રોમાંથી આનંદનાં અશ્રુ વહેવા લાગ્યાં. એ શિવભક્તોનાં જીવન એમને ધન્ય લાગ્યાં. એમને થયું કે એમનાં જ જીવન સાચા અર્થમાં સફળ છે - એ પ્રાતઃસ્મરણીય કૃતકામ મહાપુરૂષોનાં, જેમના જીવનમાં ઈશ્વર વિના કોઈ પ્રેય, શ્રેય કે ઉપાસ્ય નહોતું, જેમના હૃદય અને રોમ રોમની રસમય વીણા પર ઈશ્વરના રાગની જ રાગરાગિણીઓ વાગ્યા કરતી, જેમણે પોતાના તનમન પર વિજય મેળવીને આત્માનુસંધાન સાધીને ઈશ્વરના અખંડ અસાધારણ અનુગ્રહની ઉપલબ્ધિ કરેલી, એમનાં જ જીવન સાર્થક હતાં. એમને પગલે ચાલીને જીવનને ધન્ય કરવું જોઈએ. જીવનનો સાચો ને વધારે સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે ?

Source: Bhagavan Ramana Maharshi : Life and Works - Sri Yogeshwarji
Source: (શ્રી યોગેશ્વરજી કૃત 'રમણ મહર્ષિ : જીવન અને કાર્ય'માંથી)


No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...